જો તમે ભવિષ્ય સુરક્ષિત કરવા માટે શૂન્ય જોખમ (Zero Risk) સાથે મોટા ફંડનું આયોજન કરી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ શ્રેષ્ઠ વિકલ્પ છે. પોસ્ટ ઓફિસની આ યોજનાઓમાં જમા કરાવેલી પૂરેપૂરી રકમ અને વ્યાજની સંપૂર્ણ સુરક્ષાની ગેરંટી ખુદ ભારત સરકાર આપે છે. પોસ્ટ ઓફિસની 'પબ્લિક પ્રોવિડન્ટ ફંડ' (PPF) આવી જ એક લોકપ્રિય બચત યોજના છે, જે રોકાણકારોને લાંબા ગાળે કરોડોનું ભંડોળ ઊભું કરવાની સોનેરી તક આપે છે.
7.1% વ્યાજ અને EEE શ્રેણી હેઠળ સંપૂર્ણ ટેક્સ મુક્તિ PPF યોજના પર હાલ સરકાર દ્વારા વાર્ષિક 7.1 ટકા જેટલું સારું વ્યાજ આપવામાં આવે છે. આ યોજના EEE (Exempt-Exempt-Exempt) કેટેગરીમાં આવતી હોવાથી તેમાં રોકાણકારોને ટ્રિપલ ટેક્સ બેનિફિટ મળે છે. ઇન્કમ ટેક્સની કલમ 80C હેઠળ વાર્ષિક ₹1.5 લાખ સુધીના રોકાણ પર કરમુક્તિ મળે છે. વધુમાં, દર વર્ષે જમા થતું વ્યાજ અને મેચ્યોરિટી વખતે મળતી કુલ રકમ પણ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી રહે છે.
વાર્ષિક માત્ર ₹500થી શરૂ કરી શકાય છે બચત આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ખૂબ જ નાની રકમથી બચતની શરૂઆત કરી શકાય છે. કોઈપણ ભારતીય નાગરિક નાણાકીય વર્ષમાં ન્યૂનતમ ₹500 અને મહત્તમ ₹1.50 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. સામાન્ય રીતે આ ખાતાનો મૂળ મેચ્યોરિટી સમયગાળો 15 વર્ષનો હોય છે, પરંતુ જરૂરિયાત મુજબ તેને 5-5 વર્ષના બ્લોકમાં આગળ લંબાવી પણ શકાય છે.
શું છે આ કરોડપતિ બનાવતી 15X5X5 ફોર્મ્યુલા? PPFની 15X5X5 ફોર્મ્યુલા મુખ્યત્વે મેચ્યોરિટી પીરિયડ અને તેના એક્સ્ટેન્શન પર કામ કરે છે. આ ગણિત મુજબ, રોકાણકારે પ્રથમ 15 વર્ષ સુધી દર વર્ષે મહત્તમ ₹1.5 લાખનું રોકાણ ચાલુ રાખવાનું રહે છે. ત્યારબાદ ખાતાને 5-5 વર્ષના બે તબક્કામાં એક્સ્ટેન્ડ (લંબાવી) કરીને કુલ 25 વર્ષ સુધી રોકાણ જાળવી રાખવાનું હોય છે.
કેવી રીતે બનશે ₹1 કરોડથી વધુનું ફંડ? જુઓ સંપૂર્ણ આંકડાકીય ગણતરી:
-
15 વર્ષનું રોકાણ: જો તમે દર વર્ષે ₹1.5 લાખનું રોકાણ સતત 15 વર્ષ સુધી કરો છો, તો તમારી કુલ જમા રકમ ₹22.50 લાખ થશે. 7.1% વ્યાજ મુજબ 15 વર્ષ બાદ આ રકમ વધીને ₹40,68,209 થઈ જાય છે.
-
25 વર્ષ બાદ ફંડ: જો આ યોજનાને વધુ 10 વર્ષ (5 વર્ષ + 5 વર્ષ) માટે લંબાવવામાં આવે, તો 25 વર્ષમાં તમારી કુલ રોકાણ રકમ ₹27.50 લાખ થશે. કમ્પાઉન્ડિંગ વ્યાજના જોરે 25 વર્ષના અંતે તમારું કુલ ફંડ વધીને ₹1,03,08,015 (₹1.03 કરોડ) થઈ જશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ