રાજ્યમાં Ease of Doing Businessને વધુ વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે સરકારી જમીન ફાળવણી સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO)ની નાણાકીય સત્તામર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી અનેક પ્રકારની જમીન ફાળવણીના નિર્ણયો હવે જિલ્લા કક્ષાએ જ થઈ શકશે, જેના કારણે મંજૂરી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનવાની સરકારને આશા છે.
સરકારના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વિકાસ, જાહેર હેતુના પ્રોજેક્ટ્સ તેમજ ગ્રામીણ વિકાસના કાર્યોને ઝડપથી મંજૂરી મળી શકશે. જિલ્લા કક્ષાએ જ જમીનનો રેકોર્ડ અને સ્થાનિક પરિસ્થિતિ અંગેની માહિતી ઉપલબ્ધ હોવાથી નિર્ણય પ્રક્રિયા વધુ અસરકારક બનશે.
કલેક્ટરની નાણાકીય સત્તામાં વધારો
રાજ્ય સરકારે વિવિધ કેટેગરીમાં કલેક્ટરની સત્તામર્યાદામાં વધારો કર્યો છે.
- રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશન માટે: 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટેની સત્તા ₹15 લાખથી વધારી ₹1 કરોડ કરવામાં આવી.
- કેન્દ્ર સરકારના વિભાગો માટે (જાહેર હેતુ): 1 હેક્ટર સુધીની જમીન માટેની સત્તા ₹15 લાખથી વધારી ₹50 લાખ કરવામાં આવી.
- સરકારી કર્મચારીઓ અને વ્યક્તિગત રહેણાંક હેતુ માટે: સત્તામર્યાદા ₹1 લાખથી વધારી ₹20 લાખ કરવામાં આવી.
- સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ માટે: સત્તા ₹6 લાખથી વધારી ₹50 લાખ કરવામાં આવી.
- વ્યાપારિક હેતુ માટે હરાજી દ્વારા જમીન ફાળવણી: સત્તામર્યાદા ₹1 લાખથી વધારી ₹5 લાખ કરવામાં આવી.
- સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓ માટે: સત્તામર્યાદા ₹3 લાખથી વધારી ₹15 લાખ કરવામાં આવી.
DDOની સત્તામાં પણ નોંધપાત્ર વધારો
જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને ગામતળ પ્લોટ ફાળવણી માટે પણ વધુ સત્તા આપવામાં આવી છે.
- વ્યક્તિગત રહેઠાણ માટે: ₹20 હજારથી વધારી ₹1 લાખ
- સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ માટે: ₹1.5 લાખથી વધારી ₹7.5 લાખ
- દૂધ મંડળીઓ, સહકારી ગોડાઉન અને ગ્રામીણ ગ્રીડ માટે: ₹20 હજારથી વધારી ₹1 લાખ
સરકારના આ નિર્ણય બાદ સરકારી જમીન ફાળવણીના અનેક કેસોમાં જિલ્લા કક્ષાએ જ નિર્ણય લઈ શકાશે. જેના કારણે સંબંધિત વિભાગો અને અરજદારોને વિવિધ પ્રક્રિયાઓ માટે ગાંધીનગર પર ઓછી નિર્ભરતા રહેશે અને જિલ્લા કક્ષાએ જ ફોલોઅપ કરવાની સુવિધા મળશે.
સરકારનું માનવું છે કે નવી વ્યવસ્થાથી ઔદ્યોગિક રોકાણ, જાહેર સુવિધાઓ, સામાજિક પ્રોજેક્ટ્સ અને ગ્રામીણ વિકાસના કાર્યોને વધુ ઝડપથી મંજૂરી મળી શકશે. સાથે જ જમીનના પ્રીમિયમ અને કબજાકિંમતની રકમ પણ સમયસર સરકારી તિજોરીમાં જમા થવામાં મદદ મળશે.
રાજ્ય સરકારના બોર્ડ-કોર્પોરેશન અને કેન્દ્ર સરકારના વિભાગોને જમીન ફાળવણીના કેસોમાં કલેક્ટર દ્વારા ઇન્ટિમેશન જારી થયા બાદ જો 90 દિવસમાં કબજાકિંમત અથવા પ્રીમિયમની રકમ ભરવામાં ન આવે, તો જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની ત્રણ વર્ષની અવધિ પૂર્ણ થાય ત્યાં સુધી મુદત વધારવાની સત્તા પણ કલેક્ટરને આપવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ, આ વ્યવસ્થાથી એક જ પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન ટળશે અને વહીવટી સમયની બચત થશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ