જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સમિતિના ચેરમેન વર્ષાબેન માકડીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) વિપુલ મહેતા સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન જિલ્લાની સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ચેરમેન વર્ષાબેન માંકડિયાએ સરકારી યોજનાઓની અમલવારી, શાળાઓની કામગીરી અને શૈક્ષણિક પ્રશ્નો અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, શ્રેષ્ઠ સુવિધાઓ અને ઉજ્જવળ ભવિષ્ય મળી રહે તે માટે આયોજનબદ્ધ રીતે આગળ વધવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે DPEO વિપુલ મહેતાએ જિલ્લાના પ્રાથમિક શિક્ષણની વર્તમાન સ્થિતિ અંગે વિગતો રજૂ કરી હતી. જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીએ શાળાકીય વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારા લાવવા, બાળકોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવા અને શિક્ષણ ક્ષેત્રે જિલ્લામાં શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામ કરવા અપીલ કરી હતી.