ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) ના અગાઉના કેલેન્ડર મુજબ ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિયરિંગ, ME, MBA અને MCA સહિતના વિવિધ ટેકનિકલ કોર્સમાં પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ નક્કી કરાઈ હતી. જોકે, મુદત વધારવા અંગે કેટલાક રાજ્યોના કોલેજ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટના હુકમ બાદ AICTE એ શૈક્ષણિક કેલેન્ડરમાં સુધારો કરીને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ મુદત 14 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. આ નિર્ણયથી હવે વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયા માટે વધુ એક મહિનાનો સમય મળી રહેશે.

ગુજરાતમાં ખાલી બેઠકો માટે વધુ એક રાઉન્ડ યોજાઈ શકે

રાજ્યમાં ACPC અને ACPDC દ્વારા એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટના કોર્સમાં ઓનલાઈન કોમન રાઉન્ડ તેમજ સરકારી બેઠકો માટેની કામગીરી 14 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવી હતી. હવે AICTE દ્વારા મુદતમાં વધારો કરાતાં, ગુજરાતમાં પણ ACPC અને ACPDC દ્વારા સરકારી તેમ જ ગ્રાન્ટેડ કોલેજોની ખાલી બેઠકો ભરવા માટે વધુ એક રાઉન્ડ (સંભવતઃ ઓફલાઈન) યોજાય તેવી પૂરી શક્યતા છે. આ પગલાથી એડમિશનથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક ઊભી થશે.

ફી રિફંડ અને નવા શૈક્ષણિક સત્રની તારીખો જાહેર

સુધારેલા કેલેન્ડર અનુસાર, કોલેજમાંથી પ્રવેશ રદ કરાવીને પૂરેપૂરી ફી રિફંડ મેળવવાની અંતિમ મુદત 20 જુલાઈથી વધારીને 31 જુલાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત, કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાની તારીખ 1 ઓગસ્ટના બદલે હવે 17 ઓગસ્ટ નક્કી કરાઈ છે.

D2D ના લેટરલ એન્ટ્રી નિયમોમાં પણ ફેરફાર

ડિપ્લોમા બાદ ડિગ્રી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં સીધો પ્રવેશ મેળવવા માટેના (D2D) લેટરલ એન્ટ્રી કોર્સમાં પણ મુદત 14 ઓગસ્ટથી લંબાવીને 14 સપ્ટેમ્બર કરવામાં આવી છે. AICTE ના આ નિર્ણયથી ગુજરાત સહિત સમગ્ર દેશના હજારો ટેકનિકલ વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.