વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે જામનગર ફોટોગ્રાફર્સ એસોસિયેશન દ્વારા શહેરમાં તસવીરકળાને પ્રોત્સાહિત કરતા વિવિધ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઐતિહાસિક વિસ્તારોમાં સ્ટ્રીટ ફોટોવોક યોજાયો
ઉજવણીના ભાગરૂપે દરબારગઢથી ‘ઓપન જામનગર સ્ટ્રીટ ફોટોવોક’નો પ્રારંભ કરાયો હતો. તસવીરકારોએ સુભાષ શાક માર્કેટ, સજુબા ગર્લ્સ સ્કૂલ, ચાંદી બજાર, માંડવી ટાવર અને બર્ધન ચોક જેવા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન જામનગરની પ્રખ્યાત ધરોહર, જૂની ઈમારતો, ધમધમતી બજારો, સ્થાનિક સંસ્કૃતિ અને લોકજીવનની જીવંત ક્ષણોને કેમેરામાં કંડારવામાં આવી હતી.
બાલા હનુમાન મંદિરે ધ્વજારોહણ અને સન્માન સમારોહ
સ્ટ્રીટ ફોટોવોક પૂર્ણ થયા બાદ વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ફોટોગ્રાફી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર ત્રણ પ્રતિભાશાળી ફોટોગ્રાફરોને શિલ્ડ આપીને સન્માનિત કરાયા હતા, જ્યારે દીર્ઘકાળથી આ ક્ષેત્રમાં સક્રિય વરિષ્ઠ ફોટોગ્રાફરનું પુષ્પગુચ્છ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
સંસ્કૃતિ અને સ્મૃતિઓને સાચવવાનો પ્રયાસ
એસોસિયેશનના સભ્યોએ માત્ર તસવીરો ખેંચવા પૂરતો આ દિવસ મર્યાદિત ન રાખતાં, શહેરના વારસા અને ઈતિહાસને દસ્તાવેજી સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. ફોટોગ્રાફી એ માત્ર કળા નથી પરંતુ સમય અને સંસ્કૃતિને સાચવવાનું સશક્ત માધ્યમ છે તેવો સંદેશ આ આયોજન દ્વારા આપવામાં આવ્યો હતો. આ પહેલને શહેરના તસવીરપ્રેમીઓ અને સ્થાનિકોએ હૃદયપૂર્વક બિરદાવી હતી.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ