જામનગર જિલ્લાના ગોરધનપર નજીક વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર (GTMC)નું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાએ નિર્માણાધીન કેન્દ્રની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી અને અધિકારીઓને પ્રોજેક્ટ સમયસર તથા ગુણવત્તા સાથે પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપી.
વિશ્વસ્તરે અનોખું સંશોધન કેન્દ્ર
GTMC વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા વિકસાવવામાં આવી રહેલું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. અહીં વિશ્વભરમાં પ્રચલિત 100થી વધુ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ પર સંશોધન, દસ્તાવેજીકરણ અને જ્ઞાનના આદાન-પ્રદાનનું કાર્ય કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ભારત સરકારના આયુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA), જામનગરના સહયોગથી તૈયાર થઈ રહ્યો છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ કેમ્પસ
લગભગ 20 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલા આ કેમ્પસમાં અનેક આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. તેમાં ગ્લોબલ લાયબ્રેરી, પરંપરાગત ચિકિત્સાનો અનુભવ કરાવતો એક્સપિરિયન્સ ઝોન, પ્રદર્શન ગેલેરી, અત્યાધુનિક ઓડિટોરિયમ, વિશાળ પાર્કિંગ, સોલાર પાવર સિસ્ટમ, સ્યુઅર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), હાઈ-સિક્યોરિટી CCTV નેટવર્ક, સ્ટાફ ક્વાર્ટર્સ અને બાળકો માટે ડે-કેર સેન્ટર જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
₹269.73 કરોડના ખર્ચે થઈ રહ્યું છે નિર્માણ
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા ₹269.73 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આશરે 26,130 ચોરસ મીટર વિસ્તારમાં વહીવટી મકાન, રહેણાંક સુવિધાઓ અને સબ-સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. ઉપરાંત 26,500 ચોરસ મીટર વિસ્તારમાં હરિયાળી વિકસાવવામાં આવશે, જ્યાં વિવિધ પ્રકારના આયુર્વેદિક ઔષધીય છોડ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.
વિશ્વભરના નિષ્ણાતોનું બનશે કેન્દ્ર
GTMC કાર્યરત થયા બાદ વિશ્વના વિવિધ દેશોના સંશોધકો, વૈજ્ઞાનિકો અને પરંપરાગત ચિકિત્સાના નિષ્ણાતો જામનગરમાં સંશોધન અને અભ્યાસ માટે આવશે. આ કેન્દ્ર માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને જામનગરને વૈશ્વિક ઓળખ અપાવશે.
આ પ્રસંગે ITRAના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીએ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપી. સાથે જ WHO-GTMCના અધિકારીઓ, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી, ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ