જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલા ઐતિહાસિક ભૂચરમોરી ખાતે આગામી 15 ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી યોજાશે. વન અને પર્યાવરણ મંત્રી તથા પ્રભારી મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક મળી હતી.

તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા સૂચના

બેઠક દરમિયાન કાર્યક્રમ માટેની બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો, પીવાનું પાણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ, વાહન પાર્કિંગ, રોશની, સ્વચ્છતા અને મેડિકલ સેવાઓ સહિતની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે સંબંધિત અધિકારીઓને તમામ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.

વિભાગો વચ્ચે સંકલન જાળવવા કલેક્ટરની સૂચના

જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગૌરવ, ભવ્યતા અને શિસ્ત સાથે થાય તે માટે તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાથે કામગીરી કરવી જરૂરી છે. તેમણે તમામ પૂર્વ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા પણ અધિકારીઓને દિશા-નિર્દેશ આપ્યા હતા.

અધિકારીઓએ રજૂ કરી કામગીરીની રૂપરેખા

સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા કરવામાં આવનાર કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી.