ગુજરાત સરકારે રાજ્યમાં ખાદ્ય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જાહેરાત કરી છે કે સમગ્ર ગુજરાતમાં એનાલોગ (Analogue) પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરના ઉત્પાદન તથા વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. તાજેતરમાં ગાંધીનગર જિલ્લાના કલોલ વિસ્તારમાં શંકાસ્પદ પનીરના જથ્થા ઝડપાયા બાદ સરકાર દ્વારા આ કડક પગલું લેવામાં આવ્યું છે.
ખાદ્ય ભેળસેળ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ
રાજ્ય સરકારનું કહેવું છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અને ગેરરીતિ અટકાવવા માટે આરોગ્ય વિભાગે રાજ્યભરમાં સઘન ચેકિંગ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના જણાવ્યા અનુસાર, નિયમોનું ઉલ્લંઘન કરનારા ઉત્પાદકો, વેપારીઓ, હોટલો અને રેસ્ટોરન્ટ્સ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
એનાલોગ પનીર શું છે?
એનાલોગ પનીર પરંપરાગત દૂધના પનીરથી અલગ પ્રકારનું ઉત્પાદન છે. તે સામાન્ય રીતે વનસ્પતિ ફેટ, સ્ટાર્ચ અને અન્ય મંજૂર ફૂડ ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અગાઉ ફૂડ સેફ્ટી નિયમો હેઠળ યોગ્ય લેબલિંગ સાથે તેનું વેચાણ શક્ય હતું.
સરકારે હવે જાહેર આરોગ્યના હિતમાં ગુજરાતમાં આવા ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે.
કલોલની ઘટનાએ સરકારને સતર્ક કરી
તાજેતરમાં ગાંધીનગર જિલ્લાના કલોલમાં શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો ઝડપાયા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) દ્વારા રાજ્યવ્યાપી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને સરકારે સમગ્ર રાજ્યમાં કડક કાર્યવાહીનો નિર્ણય કર્યો છે.
હોટલ અને રેસ્ટોરન્ટ્સ પર પણ રહેશે નજર
સરકારે સ્પષ્ટ કર્યું છે કે હોટલો, રેસ્ટોરન્ટ્સ, ફાસ્ટ ફૂડ સેન્ટરો અને અન્ય ખાદ્ય વ્યવસાયિક એકમોમાં પ્રતિબંધિત એનાલોગ પનીર, ચીઝ અથવા બટરનો ઉપયોગ થતો જણાશે તો સંબંધિત એકમો સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યભરમાં શરૂ થશે વિશેષ ચેકિંગ અભિયાન
આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી અધિકારીઓની વિશેષ ટીમો બનાવી રાજ્યભરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવશે. શંકાસ્પદ ખાદ્યપદાર્થોના નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે.
જો કોઈ ઉત્પાદક અથવા વેપારી નિયમોનું ઉલ્લંઘન કરતો જણાશે તો તેનો માલ જપ્ત કરવામાં આવશે, જરૂરી હોય ત્યાં પરવાનો રદ કરવામાં આવશે તેમજ કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
ગ્રાહકોને શું કરવું?
સરકારે નાગરિકોને અપીલ કરી છે કે પનીર, ચીઝ અથવા અન્ય ડેરી ઉત્પાદનો ખરીદતી વખતે વિશ્વસનીય બ્રાન્ડ અથવા લાઇસન્સ ધરાવતા વેપારીઓ પાસેથી જ ખરીદી કરે. કોઈ શંકાસ્પદ અથવા ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થ અંગે માહિતી મળે તો તરત જ સંબંધિત તંત્રને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ