રાજ્યભરમાં પોલીસ દળમાં ભરતી પ્રક્રિયાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી (PIL) સંદર્ભે રાજ્ય સરકારે મહત્વનું સોગંદનામું રજૂ કર્યું છે. સરકારી ચોપડે કરાયેલી રજૂઆત મુજબ, રાજ્યમાં કુલ 25,600 પદો પર સીધી ભરતી કરવાનું વિશાળ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
ગુનાખોરી અને સાયબર ક્રાઈમ રોકવા માળખું મજબૂત કરાશે
સરકારે હાઈકોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે ગુના નિયંત્રણ, સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ જેવા ગંભીર ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ગૃહ વિભાગ સંપૂર્ણપણે ગંભીર છે:
- નવી ભરતીનું આયોજન: પોલીસ બેડામાં 2,109 કોન્સ્ટેબલની નવી ભરતી કરવામાં આવશે, જ્યારે ગુના નિયંત્રણ માટે 32 નવી વિશેષ પોસ્ટ ઊભી કરાશે.
- આગામી તબક્કો: પોલીસ વિભાગમાં 14,283 જગ્યાઓ માટે બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા ઓગસ્ટ/સપ્ટેમ્બર મહિનામાં હાથ ધરવામાં આવશે.
સાયબર અને નાર્કોટિક્સમાં આઉટસોર્સિંગ: હાઈકોર્ટની કડક ટિપ્પણી
નાર્કોટિક્સ અને સાયબર ક્રાઈમ જેવા ટેકનિકલ ગુનાઓના ઉકેલ માટે સરકાર ઉચ્ચ શિક્ષિત નિષ્ણાતોની આઉટસોર્સિંગ દ્વારા નિયુક્તિ કરવા જઈ રહી છે. આ અંગે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તીખો સવાલ કર્યો હતો કે:
હાઈકોર્ટનો સવાલ: "શું તમે તેમની નિયમિત ભરતી કરશો? જો કરાર આધારિત (આઉટસોર્સિંગ) ભરતી કરશો તો કડક શરતો રાખવી પડશે, નહીંતર તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી શકે છે."
DGPના સીધા મોનિટરિંગ હેઠળ થશે કામગીરી
હાઈકોર્ટના વલણ સામે સરકારે ખાતરી આપતાં રજૂઆત કરી હતી કે, આઉટસોર્સિંગથી નિમણૂક પામેલા નિષ્ણાત અધિકારીઓ અંગે DGP સાથે વિશેષ બેઠક યોજીને સુપરવિઝન માળખું નક્કી કરાશે. આ તમામ નિષ્ણાતો DGPના સીધા મોનિટરિંગ હેઠળ કામ કરશે, જેથી સંવેદનશીલ કેસોમાં યોગ્ય દિશામાં અને ઝડપી તપાસ સુનિશ્ચિત કરી શકાય.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ