Gujarat Traffic Helpline: ગુજરાતમાં ટ્રાફિક સંબંધિત ફરિયાદો નોંધાવવાની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે રાજ્ય પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 ઓગસ્ટ, 2026થી ટ્રાફિક સંબંધિત તમામ ટેલિફોનિક ફરિયાદો અને રજૂઆતો હવે માત્ર ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 પર જ નોંધાવી શકાશે. ટ્રાફિક ફરિયાદો માટેનો અગાઉનો ટોલ-ફ્રી નંબર 1800 233 1122 હવે 112 (Emergency Response Support System – ERSS) સાથે સંકલિત કરવામાં આવ્યો છે.

આ નિર્ણયનો હેતુ નાગરિકોને એક જ નંબર દ્વારા ઝડપી સેવા ઉપલબ્ધ કરાવવાનો અને ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાનો છે.

1 ઓગસ્ટથી માત્ર 112 પર જ નોંધાશે ટ્રાફિક ફરિયાદ

અત્યાર સુધી ટ્રાફિક સંબંધિત ફરિયાદો માટે અલગ ટોલ-ફ્રી નંબર 1800 233 1122 કાર્યરત હતો. જોકે, આ નંબર પર પ્રમાણમાં ઓછી ફરિયાદો નોંધાતી હોવાથી અને કેન્દ્ર સરકારની Emergency Response Support System (ERSS) હેઠળ તમામ ઇમરજન્સી સેવાઓને એક જ હેલ્પલાઇન સાથે જોડવાના પ્રયાસોના ભાગરૂપે હવે આ સેવાને 112 સાથે મર્જ કરવામાં આવી છે.

તેના કારણે 1 ઓગસ્ટ, 2026થી ટ્રાફિક સંબંધિત તમામ ટેલિફોનિક ફરિયાદો, સૂચનો અને રજૂઆતો માટે નાગરિકોએ માત્ર 112 નંબરનો જ ઉપયોગ કરવાનો રહેશે.

ઓનલાઇન અને એપ આધારિત સેવાઓમાં કોઈ ફેરફાર નહીં

ગુજરાત પોલીસે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ટેલિફોનિક હેલ્પલાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રાફિક સંબંધિત ઓનલાઇન ફરિયાદો, મોબાઇલ એપ અને અન્ય ડિજિટલ માધ્યમો અગાઉની જેમ ચાલુ રહેશે. નાગરિકો આ સેવાઓનો પણ ઉપયોગ કરી શકશે.

વરસાદી સ્થિતિમાં પણ મળશે મદદ

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા વધુ ઉપયોગી બની શકે છે. જો ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ, રસ્તા પર પાણી ભરાવું, માર્ગ અવરોધાય અથવા વૃક્ષ ધરાશાયી થવાના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થાય, તો નાગરિકો 112 પર જાણ કરી શકશે. પરિસ્થિતિ અનુસાર પોલીસ અને સંબંધિત વિભાગો જરૂરી કાર્યવાહી માટે સંકલન કરશે.

પોલીસ તંત્રને સહયોગ આપવા અપીલ

સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચે રાજ્યના નાગરિકોને ટ્રાફિક સંબંધિત તમામ ફરિયાદો, સૂચનો અને રજૂઆતો માટે 112 હેલ્પલાઇનનો જ ઉપયોગ કરવાની અપીલ કરી છે. એકીકૃત હેલ્પલાઇનથી ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે અને જરૂરી હોય ત્યારે ઝડપી પ્રતિસાદ પણ મળી શકશે.