મહિલાઓમાં વધતો ડિજિટલ વલણ
દેશમાં મહિલાઓ હવે માત્ર ડિજિટલ પેમેન્ટ સુધી મર્યાદિત રહી નથી. તેઓ બિઝનેસ ઓપરેશન્સ, લોન અને રોકાણ જેવી નાણાકીય સેવાઓ માટે પણ ડિજિટલ પ્લેટફોર્મનો વધતા પ્રમાણમાં ઉપયોગ કરી રહી છે.
84% મહિલા ઉદ્યોગસાહસિકો અપનાવી રહી છે ડિજિટલ ટૂલ્સ
ડીબીએસ બેંક ઇન્ડિયા અને ડેલૉય ઇન્ડિયાના અભ્યાસ મુજબ, 84% મહિલા ઉદ્યોગસાહસિકો માટે ડિજિટલ પેમેન્ટ ટૂલ્સ સૌથી લોકપ્રિય નાણાકીય પ્લેટફોર્મ બની ગયા છે. આ સર્વેમાં દેશભરની 1,342 મહિલા ઉદ્યોગસાહસિકો, શ્રીમંત અને ગ્રામીણ કાર્યકારી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં 72% મહિલા ઉદ્યોગસાહસિકો અને 77% શ્રીમંત મહિલાઓ UPIનો ઉપયોગ કરે છે.
લોન અને રોકાણમાં પણ ડિજિટલનો ઉપયોગ
હવે મહિલાઓ માત્ર પેમેન્ટ પૂરતી જ નહીં, પરંતુ 38% મહિલાઓ ડિજિટલ લોન પ્લેટફોર્મ્સ અને 29% મહિલાઓ રોકાણ માટે બ્રોકરેજ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહી છે. શહેરી વિસ્તારોમાં UPIનું પ્રભુત્વ છે, જ્યારે ગ્રામીણ કાર્યકારી મહિલાઓમાં હજુ પણ 77% લોકો રોકડ વ્યવહારને પ્રાથમિકતા આપે છે. જોકે, 54% ગ્રામીણ મહિલાઓ પણ UPIનો ઉપયોગ કરી રહી છે.
ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો વધતો ઉપયોગ
મહિલા ઉદ્યોગસાહસિકોમાં 42% ડેબિટ કાર્ડ અને 36% ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. જ્યારે શ્રીમંત મહિલાઓમાં UPI પછી 53% સાથે ક્રેડિટ કાર્ડ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.
વ્યવસાયમાં ક્યાં થાય છે વધુ ખર્ચ?
સર્વે મુજબ, 65% મહિલાઓ કર્મચારીઓના પગાર અને કોન્ટ્રાક્ટર પેમેન્ટ પર ખર્ચ કરે છે. જ્યારે 53% મહિલાઓ ડિજિટલ માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને નવા ગ્રાહકો મેળવવા માટે રોકાણ કરે છે. ઉપરાંત 37% મહિલાઓ સોફ્ટવેર અને ટેક્નિકલ ટૂલ્સ ખરીદવા પર ખર્ચ કરે છે.
ડિજિટલ સુરક્ષા બની મોટી ચિંતા
ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ વધવાની સાથે સુરક્ષા પણ મહિલાઓ માટે મહત્વનો મુદ્દો બની છે. લગભગ 62% મહિલા ઉદ્યોગસાહસિકો ડેટા સુરક્ષાને સૌથી વધુ મહત્વ આપે છે. જ્યારે 46% મહિલાઓ જટિલ યુઝર ઇન્ટરફેસને કારણે એપનો ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવે છે. એટલી જ સંખ્યામાં મહિલાઓએ ડિજિટલ ફ્રોડનો પણ અનુભવ કર્યો હોવાનું જણાવ્યું છે.
શહેરી મહિલાઓમાં ક્રેડિટ કાર્ડનો ટ્રેન્ડ
શહેરી વિસ્તારમાં કામ કરતી અને સારી આવક ધરાવતી મહિલાઓમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ઘણી મહિલા ઉદ્યોગસાહસિકો પોતાના પર્સનલ ક્રેડિટ કાર્ડનો નિયમિત ઉપયોગ કરે છે. સર્વે અનુસાર 65% મહિલા ઉદ્યોગસાહસિકો અને શ્રીમંત મહિલાઓ હોટેલ ઑફર્સ, એર માઇલ્સ, લાઉન્જ એક્સેસ અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ જેવા રિવોર્ડ્સને સૌથી વધુ પસંદ કરે છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ