રિલાયન્સ જિયોએ દેશભરમાં પોતાના ગ્રાહકો માટે ‘જીયો પ્રાઇમ મેમ્બરશિપ’નું નવું વર્ઝન લોન્ચ કર્યું છે. આ મેમ્બરશિપ અંતર્ગત પ્રીપેડ અને પોસ્ટપેડ ગ્રાહકો માત્ર ₹300 ચૂકવીને પોતાના હાલના રિચાર્જ પ્લાનની કિંમત આગામી 5 સપ્ટેમ્બર 2027 સુધી ‘પ્રાઇસ લોક’ કરી શકશે. એટલે કે આગામી સમયમાં જો કંપની પોતાના પ્લાનના ભાવમાં વધારો કરશે તો પણ પ્રાઇમ સભ્યોને કોઈ વધારાનો બોજ સહન કરવો નહીં પડે અને તેઓ જૂના દરે જ સેવાઓનો લાભ મેળવતા રહેશે. અન્ય ટેલિકોમ કંપનીઓના ગ્રાહકો પણ પોતાનો નંબર જીયોમાં પોર્ટ કરાવીને આ ઓફરનો ઉપયોગ કરી શકે છે.

આ મેમ્બરશિપ લેનારા ગ્રાહકોને કિંમત લોક થવાની સાથે ₹600ના મૂલ્યના બે કેશબેક વાઉચર પણ આપવામાં આવશે. જેમાં ₹300નું પ્રથમ વાઉચર નવું જીયોહોમ અથવા જીયોપીસી કનેક્શન લેતી વખતે વાપરી શકાશે, જ્યારે ₹300નું બીજું વાઉચર પરિવાર કે મિત્રો માટે નવું જીયો સિમ કનેક્શન ઉમેરવા પર રિડીમ કરી શકાશે. આ રીતે ₹300ના પ્રાઇમ સબ્સ્ક્રિપ્શન સામે ગ્રાહકને ડબલ ફાયદો મળી રહ્યો છે.

આ ઉપરાંત પ્રાઇમ ગ્રાહકો માટે કંપનીએ અલગથી પ્રાયોરિટી કસ્ટમર સર્વિસ ચેનલ પણ શરૂ કરી છે, જેથી તેમની ફરિયાદો અને પ્રશ્નોનું ઝડપી નિવારણ થઈ શકે. સાથોસાથ જીયોના આગામી નવા પ્રોડક્ટ્સ, સર્વિસિસ અને ટ્રાયલ્સનો એક્સેસ પણ આ સભ્યોને સૌથી પહેલા મળશે. કંપનીએ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં પ્રાઇમ ગ્રાહકો માટે વધુ કેટલાક વિશેષ બેનિફિટ્સની જાહેરાત પણ કરવામાં આવી શકે છે.