લાલપુર તાલુકામાં ચાલુ વર્ષે પૂરતો વરસાદ ન થતાં પશુપાલકો માટે પશુધનને બચાવવું સમાન ઘાસચારાની ભારે વિકટ સમસ્યા ઊભી થઈ હતી. પશુપાલકોની આ ગંભીર મુશ્કેલીને વાચા આપવા માટે લાલપુર તાલુકા ભાજપના હોદ્દેદારોએ રાજ્ય સરકારમાં સઘન રજૂઆત કરી હતી.

આ રજૂઆતને પગલે સરકારે ત્વરિત પગલાં ભરીને લાલપુરના પશુપાલકો માટે રાહત દરે ઘાસચારો પૂરો પાડવાની મંજૂરી આપી હતી. જે અંતર્ગત આજથી વિધિવત રીતે રાહત દરે ઘાસ વિતરણ તેમજ ઘાસના કાર્ડ આપવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સંકટમાં મુકાયેલા સ્થાનિક પશુપાલકોને મોટી આર્થિક અને વ્યવહારુ રાહત મળી છે.

આ રાહત ઘાસ વિતરણના શુભાારંભ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન તુષારભાઈ, સરપંચ જયેશભાઈ તેરૈયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અરશીભાઈ કરગીયા, હીરજીભાઈ ચાવડા, તાલુકા પંચાયત સભ્ય ક્રિષ્નાબેન જસાણી તેમજ તાલુકા ભાજપ મહામંત્રી હિટલરભાઈ રોકડ સહિતના સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.