જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં વાંકીયા થી ખંભાલિડા વચ્ચેના મહત્વના માર્ગની સપાટી સુધારણા અને નવીનીકરણની કામગીરીનું ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂ.400 લાખના ખર્ચે થનારી આ કામગીરીથી લાંબા સમયથી ખરાબ સ્થિતિમાં રહેલા રસ્તાના કારણે મુશ્કેલીનો સામનો કરતા ગ્રામજનો અને વાહનચાલકોને રાહત મળવાની અપેક્ષા છે.
7 કિલોમીટર લાંબો મહત્વનો માર્ગ
વાંકીયા-ખંભાલિડા રોડ આશરે 7 કિલોમીટર લાંબો છે. આ માર્ગ વાંકીયા અને ખંભાલિડા ગામોને જોડે છે તેમજ તાલુકા મુખ્ય મથક ધ્રોલ તરફ અવરજવર માટે મહત્વનો માર્ગ છે. લાંબા સમયથી રસ્તાની સપાટી ખરાબ હોવાથી ગ્રામજનો અને વાહનચાલકોને અવરજવર દરમિયાન મુશ્કેલી પડી રહી હતી.
રૂ.400 લાખના ખર્ચે વિવિધ કામગીરી
રસ્તાની સપાટી સુધારણા અને નવીનીકરણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.400 લાખની રકમનો જોબ નંબર મંજૂર કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં ડામર કામ ઉપરાંત 870 મીટર CC રોડનું નિર્માણ કરવામાં આવશે.
આ ઉપરાંત માર્ગની જરૂરીયાત મુજબ પ્રોટેક્શન વોલ, ક્રેશ બેરિયર તેમજ રોડ ફર્નિચર સહિતની કામગીરી પણ કરવામાં આવશે.
ગ્રામજનો અને વાહનચાલકોને મળશે લાભ
પંચાયત માર્ગ અને મકાન વિભાગ, જામનગર દ્વારા આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. વિભાગના કાર્યપાલક ઈજનેર કે.બી. છૈયા અને નાયબ કાર્યપાલક ઈજનેર આર.આર. મુલિયાણાની દેખરેખ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે.
રસ્તાનું નવીનીકરણ પૂર્ણ થયા બાદ વાંકીયા અને ખંભાલિડા ગામના લોકો ઉપરાંત ધ્રોલ તરફ આવતા-જતા વાહનચાલકોને વધુ સુવિધાજનક અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે. આ માર્ગના સુધારાથી સ્થાનિક કનેક્ટિવિટી પણ વધુ સુગમ બનવાની શક્યતા છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ