Metaની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppએ પોતાના યુઝર્સ માટે અનેક નવા કોલિંગ ફીચર્સની જાહેરાત કરી છે. હવે યુઝર્સ WhatsApp Web પરથી જ સીધા ઓડિયો અને વીડિયો કોલ કરી અને રિસીવ કરી શકશે. આ માટે અલગથી WhatsApp Desktop એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે.

કંપનીએ જણાવ્યું છે કે આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે ઉપયોગી રહેશે, જેઓ કોલેજના શેર કરેલા કમ્પ્યુટર, ઓફિસના લેપટોપ અથવા એવી સિસ્ટમનો ઉપયોગ કરે છે જ્યાં એપ ઇન્સ્ટોલ કરવાની મંજૂરી નથી. હવે તેઓ બ્રાઉઝર છોડ્યા વગર જ WhatsApp કોલ કરી શકશે.

WhatsApp Web પર મળશે આ સુવિધાઓ

નવા Web Calling ફીચર હેઠળ યુઝર્સને નીચેની સુવિધાઓ મળશે:

  • વન-ઓન-વન અને ગ્રુપ ઓડિયો-વીડિયો કોલ
  • સ્ક્રીન શેરિંગ
  • કોલ દરમિયાન Reactions મોકલવાની સુવિધા
  • Dedicated Calls Tab, જેમાં કોલ હિસ્ટ્રી અને ફેવરિટ કોન્ટેક્ટ્સ જોઈ શકાશે.

કંપનીના જણાવ્યા મુજબ, વેબ પર થતા તમામ કોલ End-to-End Encryptionથી સુરક્ષિત રહેશે. ઉપરાંત, કોલ પર કોઈ સમય મર્યાદા કે વધારાનો ચાર્જ નહીં હોય.

Call Transfer ફીચર પણ આવ્યું

WhatsAppએ Call Transfer નામનું નવું ફીચર પણ રજૂ કર્યું છે. તેની મદદથી યુઝર્સ ચાલુ ગ્રુપ કોલને ડિસ્કનેક્ટ કર્યા વગર એક ડિવાઇસથી બીજા ડિવાઇસ પર ટ્રાન્સફર કરી શકશે.

ઉદાહરણ તરીકે, મોબાઇલ પર શરૂ કરેલો ગ્રુપ કોલ ઘરે પહોંચ્યા બાદ સીધો WhatsApp Web અથવા Desktop પર ચાલુ રાખી શકાશે. તેવી જ રીતે, વેબ પરથી શરૂ કરેલો કોલ મોબાઇલ પર પણ ખસેડી શકાશે.

Waiting Roomથી મળશે વધુ નિયંત્રણ

ગ્રુપ કોલને વધુ સુરક્ષિત બનાવવા માટે Waiting Room ફીચર ઉમેરવામાં આવ્યું છે.

જો કોલ લિંક બનાવતી વખતે "Require approval to join" વિકલ્પ ચાલુ કરવામાં આવશે, તો નવા જોડાનારા સભ્યો પહેલા Waiting Roomમાં રહેશે. હોસ્ટની મંજૂરી મળ્યા બાદ જ તેઓ કોલમાં જોડાઈ શકશે.

કોલની ગુણવત્તા સુધારવા બે નવા અપડેટ

WhatsAppએ વીડિયો અને ઓડિયો કોલને વધુ સારો બનાવવા માટે બે નવા ટેક્નિકલ અપગ્રેડ પણ રજૂ કર્યા છે.

QuickHD: કોલ શરૂ થયાની પ્રથમ જ ક્ષણોમાં HD વીડિયો ક્વોલિટી ઉપલબ્ધ થશે.

Noise Suppression: આસપાસના બેકગ્રાઉન્ડ અવાજને ઘટાડીને સામેની વ્યક્તિ સુધી તમારો અવાજ વધુ સ્પષ્ટ પહોંચશે. આ સેટિંગ કોલ દરમિયાન પણ બદલી શકાશે.

ધીમે-ધીમે મળશે નવા ફીચર્સ

WhatsAppએ જણાવ્યું છે કે Web Calling સહિતના તમામ નવા ફીચર્સનું તબક્કાવાર (Gradual Rollout) રોલઆઉટ શરૂ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ સુવિધાઓ વિશ્વભરના તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.