જામનગર જિલ્લાના લાલપુર ખાતે સંત શિરોમણી રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતી પ્રસંગે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલપુરના રાધે ક્રિષ્ના મંદિરથી પ્રારંભ થયેલી આ યાત્રામાં સંત રવિદાસજી મહારાજના જન્મસ્થળ કાશી (ગોવર્ધનપુર)થી લાવવામાં આવેલી પવિત્ર માટીના કળશની સ્થાપના કરવામાં આવી હતી.
લાલપુરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ કળશ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, જેનાથી સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં ઉમટી પડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન અનુસૂચિત જાતિ સમાજના મહંત રામદાસ બાપુ તથા રાધે ક્રિષ્ના મંદિરના પૂજારીનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાશીની આ પવિત્ર માટીના કળશનું ગામેગામ વિતરણ કરવાનો પ્રારંભ કરાયો હતો.
રાજકીય આગેવાનો અને હોદ્દેદારોની ઉપસ્થિતિ આ ધાર્મિક પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ભોવાનભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રભારી કૌશિકભાઈ રાબડિયા, જિલ્લા ઇન્ચાર્જ હીરજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અરશીભાઈ કરગીયા અને તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાગીયા સહિતના સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો, સરપંચો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સામાજિક સમરસતાનો સંદેશ સંત રવિદાસજી મહારાજે આપેલા સમાનતા, સેવા અને સામાજિક સમરસતાના વિચારોને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આ કળશ વિતરણ અભિયાનને આગળ ધપાવવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ