આજે 24 ઓગસ્ટના રોજ ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ નર્મદાશંકર લાલશંકર દવે (કવિ નર્મદ)ની 193મી જન્મજયંતીને સમગ્ર વિશ્વમાં 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' તરીકે ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે. જેમ સર્પ સમય જતાં પોતાની કાંચળી બદલે છે, તેમ આપણી પૌરાણિક ગુજરાતી ભાષાએ પણ સદીઓથી નવા-નવા શબ્દોને સહજતાથી અપનાવ્યા છે. જોકે, આધુનિકતાના પ્રભાવ હેઠળ શિરામણ અને વાળુ જેવા અનેક મૂળ તળપદા શબ્દોનું સ્થાન હવે બ્રેકફાસ્ટ અને ડિનર જેવા અંગ્રેજી શબ્દોએ લઈ લીધું છે.
કવિ નર્મદ: ગુજરાતી સાહિત્યને નવી દિશા આપનાર નિડર યુગદ્રષ્ટા સુરતમાં જન્મેલા કવિ નર્મદનું આયુષ્ય માત્ર 53 વર્ષનું જ રહ્યું હતું, છતાં તેમણે ગુજરાતી સાહિત્યનો નવો યુગ કંડાર્યો હતો. તેમણે આલેખેલી આત્મકથા 'મારી હકીકત' એ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ આત્મકથા તરીકે ઐતિહાસિક સ્થાન ધરાવે છે. પોતાના વિચારોમાં અત્યંત સ્પષ્ટ અને નિભીક નર્મદે લખ્યું હતું કે, "જે લખવું યોગ્ય નહીં લાગે તે તો હું નહીં જ લખું, પણ જે પણ લખીશ તે મારી જાણ મુજબ પૂરેપૂરું સત્ય જ લખીશ; પછી તે સારું હોય કે નરસું, લોકોને ગમે કે ન ગમે."
1970ના દાયકામાં જ્યારે કોઈ વિચાર પણ ન કરી શકે, ત્યારે કવિ નર્મદે એક વર્ષના કઠિન પરિશ્રમ બાદ 25 હજારથી વધુ શબ્દો ધરાવતો ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ 'નર્મકોશ' તૈયાર કર્યો હતો.
અન્ય ભાષાઓના શબ્દો જે ગુજરાતીમાં સહજતાથી ભળી ગયા સદીઓ પહેલાં ભારત અને ઈરાન વચ્ચેના વેપારી અને સાંસ્કૃતિક સંબંધોને કારણે ફારસી ભાષાના અનેક શબ્દો ગુજરાતમાં આવ્યા. આજે આપણે જે શબ્દો બોલીએ છીએ તે અન્ય ભાષાઓમાંથી આપણી ભાષામાં એટલી હદે વણાઈ ગયા છે કે તે આપણી પોતાની બોલીનો જ ભાગ લાગે છે:
- ફારસી: સરકાર, મહેમાન, બજાર, દુકાન, કબાટ, દરવાજો, રંગ, દરબાર, કમર, બંદૂક, ચશ્મા, નાસ્તો, કલમ, દફતર, દુશ્મન.
- અરબી: કાયદો, હિસાબ, દુનિયા, તારીખ, કિંમત, ખબર, હક, જરૂર, સબૂત, સલામ, સાહેબ, જલસો, ઈનામ.
- અંગ્રેજી: પોલીસ, હોસ્પિટલ, ડૉક્ટર, ટિકિટ, ટ્રેન, બસ, સ્ટેશન, બોટલ, મોબાઈલ, રેડિયો, સિનેમા, હોટલ.
- પોર્ટુગિઝ: તમાકુ, અનાનસ, બટાટા, પાઉં, સાબુ.
- ફ્રેન્ચ: ગેરેજ, બ્યુરો.
ગુજરાતી સંસ્કૃતિની ઓળખ સમા વિસરાતા તળપદા શબ્દો આપણા દૈનિક જીવન અને ગ્રામીણ સંસ્કૃતિ સાથે જોડાયેલા અનેક સુંદર તળપદા શબ્દો હવે ધીમે ધીમે ઓઝલ થઈ રહ્યા છે:
- શિરામણ: સવારનો એ સમય જ્યારે ખેડૂતો વાડીએ જતા પહેલા નાસ્તામાં શીરો અને દૂધ આરોગીને નીકળતા.
- વાળુ ટાણું: સાંજના સમયનું ભોજન (સંધ્યા ભોજન).
- ગામોતરું: બહારગામ મહેમાનગતિએ જવું.
- મઝિયારા: સંયુક્ત કે ભેગું કુટુંબ.
- ઝભલું: નાના બાળકો માટેનું આરામદાયક વસ્ત્ર.
- વહેલ: વરરાજાને બેસાડવા માટે ખાસ શણગારેલું નાનકડું ગાડું.
- પહેરણ-ખમીસ: રોજીંદો શર્ટ કે પહેરવેશ.
- ખૂંટી: દીવાલમાં પાઘડી, કપડાં કે થેલી લટકાવવા માટેની જગ્યા.
- ગોખ: ઓસરી કે ઓરડાની દીવાલમાં બારણાથી ઉપર રાખવામાં આવતો નાનો ઝરુખો.
- ડામચિયો: ઓરડામાં ગાદલાં અને ઓશિકા વ્યવસ્થિત મૂકવા માટેનું મોટું ખાનું.
- વંડી: ઘરની આસપાસ માટી કે ઈંટની બનાવેલી 6થી 8 ફૂટની સુરક્ષા દીવાલ.
- ટબુડી: બાળકોને પાણી પીવડાવવા માટેનું પિત્તળનું નાનું પાત્ર.
- ફળિયું: ઘરની આગળનો ખુલ્લો ભાગ કે ચોક.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ