પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના શુભ અવસરે જામનગરથી 30 કિલોમીટર દૂર લાલપુર તાલુકાના ગજણા ગામે સ્થિત ઐતિહાસિક ભોળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિનું અદ્ભુત પૂર જોવા મળ્યું હતું. જામનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો શિવભક્તો શ્રદ્ધાભેર પગપાળા ચાલીને દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

પદયાત્રીઓ માટે ચા-નાસ્તો, ફરાળ અને ગરમ ભોજનની ઉત્તમ વ્યવસ્થા જામનગર-ભોળેશ્વર માર્ગ પર યાત્રાળુઓની સુવિધા અર્થે વિવિધ સેવા મંડળો દ્વારા કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા છે. જામનગરથી 9 કિમી અને ભોળેશ્વરથી 15 કિમી દૂર આવેલ સરદાર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ (જીઆઇડીસી) નજીકના મધ્યવર્તી સ્થળે વિશાળ સેવા કેમ્પનું આયોજન કરાયું છે.

'મહાદેવ હર મિત્ર મંડળ'ના આયોજક ભાવેશ ઉર્ફે બાદશાહભાઈ ગાગીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, "અહીંથી પસાર થતાં તમામ પદયાત્રીઓ માટે ફરાળ, નાસ્તો, ચા-પાણી, તાજા ફળો તેમજ દેશી ઢોસા સહિતના ગરમ ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્ષોવર્ષ ભક્તોનો ઉત્સાહ વધી રહ્યો છે અને અગાઉ જ્યાં 5,000 યાત્રાળુઓ આવતા હતા, ત્યાં હવે આ સંખ્યા વધીને 10,000થી પણ ઉપર પહોંચી ગઈ છે.

ઢોલ-નગારા સાથે સ્વાગત અને 'હર હર મહાદેવ'ના ગૂંજતા નાદ આ સેવા કેમ્પમાં પહોંચતા ભક્તોનું ઢોલ-નગારા અને શરણાઈના મધુર સૂર સાથે ભારે હરખથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રા દરમિયાન સમગ્ર માર્ગ 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે'ના ભક્તિમય જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.

451 વર્ષથી પણ વધુ પ્રાચીન સ્વયંભૂ શિવલિંગનો મહિમા ત્રણ નદીઓના પવિત્ર ત્રિવેણી સંગમ કિનારે આવેલું ગજણાનું આ ભોળેશ્વર મહાદેવ મંદિર 451 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. પ્રચલિત લોકવાયકા અનુસાર, સંવત 1645માં ગામના એક સુથારની ગાય દરરોજ સીમમાંથી અલગ પડીને એક રાફડા પર દૂધની ધારા વરસાવતી હતી. ત્યારબાદ ગોવાળને સ્વપ્નમાં આવીને સ્વયં ભગવાને આ સ્થાન વિશે સંકેત આપ્યો હતો. રાફડાનું ખોદકામ કરતા ત્યાંથી દિવ્ય સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું.

શ્રાવણના આ પવિત્ર સોમવારે શિવભક્તોએ ભોળેશ્વર દાદાના ચરણોમાં સીસ નમાવી જળાભિષેક, વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતીનો દર્શન-લાભ લઈને આત્મિક ધન્યતા અનુભવી હતી.