વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે દરેક પેઢી સામે પોતાના પડકારો અને જવાબદારીઓ હોય છે અને વર્તમાન પેઢી માટે આવનારો સમય અત્યંત મહત્વપૂર્ણ અને પડકારજનક છે. આગામી 35 વર્ષમાં યુવાનોનું કાર્ય વિકસિત ભારતના નિર્માણમાં આધારસ્તંભ બનશે.
મોદીએ જણાવ્યું કે તેમણે IITના અનેક પૂર્વ વિદ્યાર્થીઓની સફળતા નજીકથી જોઈ છે. તેમણે એવી સમસ્યાઓ ઓળખી અને તેના ઉકેલો શોધ્યા, જેના પર અન્ય લોકોનું ધ્યાન ગયું ન હતું. તેમણે વિદ્યાર્થીઓને સતત શીખતા રહેવાની અને માત્ર પ્રશ્નો પૂછવાને બદલે તેના ઉકેલો શોધવાની પ્રેરણા આપી.
તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ આજે માત્ર ડિગ્રી લઈને નહીં, પરંતુ સપનાઓ લઈને કેમ્પસ છોડીને જઈ રહ્યા છે. દરેક વિદ્યાર્થીના મનમાં ભવિષ્ય વિશે કંઈક અલગ ચાલી રહ્યું છે. કોઈ પહેલી નોકરી અને પગાર વિશે વિચારી રહ્યો હશે, કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવાની તૈયારીમાં હશે અને કોઈ નવી સ્પર્ધા માટે યોજના બનાવી રહ્યો હશે.
કેમ્પસના જીવન અને બહારના જીવન વચ્ચેનો તફાવત સમજાવતા મોદીએ કહ્યું કે IITમાં સિલેબસ હોય છે, જ્યારે વાસ્તવિક જીવનમાં ઘણી પરિસ્થિતિઓ “આઉટ ઓફ સિલેબસ” હોય છે. કઈ પરીક્ષા આવશે, કયો કોર્સ કામ લાગશે કે કયો પડકાર સામે આવશે તેની અગાઉથી ખબર પડતી નથી. તેમણે કહ્યું કે જ્યારે કોઈ પડકાર ખૂબ મોટો લાગે ત્યારે તેનાથી ગભરાવું નહીં, પરંતુ તેને નાના ભાગોમાં વહેંચીને આગળ વધવું.
વિદ્યાર્થીઓ સાથે હળવા અંદાજમાં વાત કરતાં મોદીએ કહ્યું કે તેઓ બાબા બાગેશ્વર તો નથી, પરંતુ તેમને વિશ્વાસ છે કે દરેક વિદ્યાર્થીના મનમાં ભવિષ્યને લઈને કંઈક ને કંઈક ચોક્કસ ચાલી રહ્યું હશે. આ ટિપ્પણી પર સમારોહમાં હાજર વિદ્યાર્થીઓમાં હાસ્ય ફેલાયું.
સમારોહ દરમિયાન વડાપ્રધાને IIT દિલ્હીના સોનીપત કેમ્પસમાં સ્થાપિત AI આધારિત હાઈ-પર્ફોર્મન્સ સુપરકમ્પ્યુટર “પરમ પ્રજ્ઞા”નું રિમોટથી ઉદ્ઘાટન કર્યું. આ સુપરકમ્પ્યુટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ અને વિવિધ સંશોધન ક્ષેત્રોમાં ઉપયોગી બનશે.
મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે દેશના પ્રતિભાશાળી યુવાનોના જીવનની નવી યાત્રા શરૂ થઈ રહી છે. ઉત્સાહ, ઉમંગ, સપનાઓ અને ભાવનાઓથી ભરેલી આ ક્ષણ વિદ્યાર્થીઓ માટે યાદગાર છે અને તેમના માટે પણ આ અનુભવ ખાસ છે.
દીક્ષાંત સમારોહમાં 3,000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી, જેમાં 587 પીએચડી સંશોધકોનો સમાવેશ થાય છે.
મોદીએ પોતાના ભાષણમાં કેટલાક મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે IITમાં પસાર કરેલી ઓરિએન્ટેશનથી લઈને કોન્વોકેશન સુધીની સફર યાદગાર રહેશે. હોસ્ટેલ, મિત્રો, સ્પર્ધાઓ, મેસ અને શિક્ષકો સાથે જોડાયેલી યાદો જીવનભર સાથે રહેશે.
તેમણે બદલાતી દુનિયામાં સતત શીખતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે આગામી 20-30 વર્ષમાં ટેકનોલોજી અને ઉદ્યોગમાં મોટા ફેરફારો આવશે. જે વ્યક્તિ સતત શીખશે અને નવા પડકારોના ઉકેલો શોધશે, તે જ આગળ વધશે.
તેમણે વિદ્યાર્થીઓને પોતાની સરખામણી અન્ય લોકો સાથે ન કરવાની સલાહ આપી. કોણે કેટલું પેકેજ મેળવ્યું, કોણ કયા દેશમાં ગયું અથવા કોણે સ્ટાર્ટઅપ શરૂ કર્યું જેવી ચર્ચાઓ સામાન્ય છે, પરંતુ સાચી સ્પર્ધા પોતાની સાથે છે. દરરોજ પોતાને વધુ સારા બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.
પરમ પ્રજ્ઞા સુપરકમ્પ્યુટર વિશે જણાવતા તેમણે કહ્યું કે તે ઝડપી ગતિએ જટિલ ગણતરીઓ કરી શકશે અને સંશોધનને પ્રોત્સાહન આપશે. નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન હેઠળ દેશમાં અત્યાર સુધી 37 સુપરકમ્પ્યુટર સ્થાપિત કરવામાં આવ્યા છે, જે IIT, IISc, NIT, C-DAC, IISER સહિતની અગ્રણી સંશોધન સંસ્થાઓમાં કાર્યરત છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ