ભાઈ-બહેનના પવિત્ર સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વને વધુ ખાસ અને સુખદ બનાવવા માટે જામનગર મહાનગરપાલિકા અને જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષાબંધનના દિવસે શહેરની તમામ બહેનો માટે ઈ-બસ (E-Bus) સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
તહેવારના દિવસે બહેનો પોતાના ભાઈના ઘરે સરળતાથી અને વગર કોઈ મુશ્કેલીએ પહોંચીને રાખડી બાંધી શકે, તેવા ઉમદા હેતુથી આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિર્ણયથી તહેવારના દિવસે મુસાફરી કરતી હજારો મહિલાઓને સીધો ફાયદો થશે અને તેમની ખુશીઓમાં વધારો થશે.
જાહેર પરિવહનનો લાભ લેવા અપીલ જામનગરમાં ઈ-બસ સેવા પહેલેથી જ નાગરિકો માટે સુરક્ષિત, પર્યાવરણ અનુકૂળ અને સુવિધાજનક માધ્યમ તરીકે કાર્યરત છે. તહેવારના દિવસે મહિલાઓ ઈ-બસમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે.
મહાનગરપાલિકા અને જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા શહેરના તમામ નાગરિકોને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે, સાથે જ તમામ બહેનોને આ ફ્રી ઈ-બસ સેવાનો મહત્તમ લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ